જો તું મને પૂછીશ કે પ્રેમ એટલે શું?
ત્યારે હું તો બસ એટલું જ કહીશ,
કે હમેશાં થી થોડો હું ને વધારે તું...
લગ્નનાં સાત ફેરાના સાત વચનોમાં પણ,
થોડો હું ને વધારે તું...
આપણા ઘરની વધતી શોભા માં પણ,
થોડો હું ને વધારે તું...
સવારની પૂજાથી લઈને સાંજની આરતીમાં પણ,
થોડો હું ને વધારે તું...
પરોઢના આછા પ્રકાશથી લઈને રાતની રીમઝીમ રોશનીમાં પણ,
થોડો હું ને વધારે તું...
હું તો બસ એક નાની ઓફિસ સંભાળું પણ આખું ઘર ચલાવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
થોડું માથું દુખતું હોય ને સોફા પર પગ લાંબા કરી ઓર્ડર ચલાવું હું,
ને ગમે તેવી તબિયતમાં પણ બધાના ઓર્ડર પૂરા કરે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
બહાર ફરવા જઈએ ને મજા મસ્તી સાથે શોપિંગનું બીલ આવે ત્યારે તેમાં પણ,
થોડો હું ને વધારે તું...
પાણીપુરીનો ઠેલો હોય કે કોઈ શોરૂમમાં સેલનો મેળો હોય,
થોડો હું ને વધારે તું...
કોઈ દુકાને ભાવતાલ કરવાનો હોય કે,
પરિવારની ખુશીઓનો તાલમેલ બેસાડવાનો હોય,
થોડો હું ને વધારે તું...
એક જનમમાં પુરો થઈ જઉં હું,
ને એક જનમમાં બે બે જિંદગી જીવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
પરસ્પર રિસામણા મનામણા હોય કે રૂપ સોહામણા હોય તેમાં પણ,
થોડો હું ને વધારે તું...
કોઈ બે શબ્દો મને કહી જાય તો એને ચાર શબ્દો સંભળાવી આવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
મોબાઈલમાં રીંગ મારી વાગે ને વાઈબ્રેટ થાય તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
પોતાનાં જાણીતાં વરસો જૂનાં ચહેરાઓને છોડી,
સાવ અજાણ્યા ચહેરાઓને જીવનભર માટે અપનાવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
જો તું મને કોઈ મોટી ભેટ આપે તો પણ સહજ ખુશ થાઉં હું,
ને હું તને કોઈ નાની ભેટ પણ આપું તોય ચહેરા પર પ્રખર તેજ બતાવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
તારું દુઃખ જોઈ ઘણો દુખી થાઉં હું,
પણ મારાં દુઃખમાં નદી નાળા છલકાવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
ઓછામાં ઓછો તારી હા સાથે જોડાઉ હું,
ને વધારેમાં વધારે મારી હા સાથે જોડાય તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
રોજ દિવસરાતના એવોર્ડ વિનીંગ નેચરલ અભિનયમાં પણ થોડો હું ને વધારે તું...
મજા મસ્તી ભરેલી વાતોમાં એકાદ બે રન લઉં હું,
પણ ચોગ્ગા છગ્ગા ફટકારે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
હું મારી સાસરીના પ્રસંગ સાચવું કે ના સાચવું,
પણ તારી સાસરીના દરેકે દરેક પ્રસંગ સાચવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
રોજ રાત્રે નસકોરા બોલાવું હું,
ને સાંભળ્યાં ના સાંભળ્યાં કરી નિભાયા કરે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
તનથી ભલે મજબૂત દેખાવ છું હું,
પણ મનથી હમેશાં મજબૂત છે એક તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
આ આપણો સંબંધ જ એવો છે જે તીખો મીઠો ચાલતો રહેવાનો,
પણ એને વધારે મીઠો બનાવે તું...
એટલે જ તો પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
છેલ્લા એટલું જ કહીશ કે,
તારાથી હું છું નથી મારાથી તું...
કેમકે પ્રેમ એટલે થોડો હું ને વધારે તું...
...VIMALMPATEL
2 Comments
Awesome
ReplyDeletethank u very much
Delete